BREAKING NEWS

જામનગર : સમર્પણ સર્કલ પાસે એડવોકેટને ધમકાવી ઓનલાઇન ૧૦ હજાર પડાવી લીધા

  • December 17, 2025 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના સમર્પણ સર્કલ પાસે જામજોધપુરના એક એડવોકેટને ભય બતાવી ધમકાવી બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ એકાઉન્ટમાંથી ઓનલાઇન ૧૦ હજારની રકમ ટ્રાન્સફર કરાવી લઇ જરૂરી ડોકયુમેન્ટ લઇ જઇ નાશી છુટતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે નંબર વીનાના બાઇક પર આવેલા શખ્સો સામે ફરીયાદ કરવામાં આવતા આ વિસ્તારના કેમેરાઓ ચેક કરવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે.


જામજોધપુરમાં ધ્રાફા ફાટક નજીક માધવ એવન્યુમાં રહેતા અને વકીલાતની પ્રેકટીશ કરતા ગૌતમ કેશવભાઇ કારેણા (ઉ.વ.૩૨) જેઓ ગઇકાલે કામ સબબ જામજોધપુરથી અહી જામનગર આવ્યા હતા, દરમ્યાન પોતાનું મોટરસાયકલ નં. જીજે૩એલસી-૮૧૫૮ લઇને પરત જવા માટે રવાના થયા હતા ત્યારે સમર્પણ સર્કલ પાસે પહોચતા નંબર વીનાની બ્લુ કલરની એકટીવામાં ડબલ સવારીમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ એડવોકેટને રોકી અપશબ્દો બોલી ધાક ધમકી દઇ ગળુ પકડીને મુંઢ માર માર્યો હતો.


ઉપરાંત બળજબરીથી કયુઆર કોડ દ્વારા ઓનલાઇન રૂ. ૧૦ હજાર ટ્રાન્સફર કરાવી તથા જરૂરી ડોકયુમેન્ટ પડાવી નાશી ગયા હતા. આ અંગે ગૌતમભાઇ દ્વારા સીટી-સી ડીવીઝનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને નંબર પ્લેટ વીનાના બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ વિસ્તારના સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસ આગળ ધપાવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application